ભગવાનના ચરણોમાં ફળ અને ફૂલો ચડાવવાનું શું છે મહત્વ, ગીતા માં જણાવ્યું છે તેનું રહસ્ય

આધ્યાત્મિક

ભગવાનની પૂજા દ્વારા બહુ જ સહજ રીતે જીવનનું સત્યદર્શન લાધે છે. ભગવાનને ચરણે જેમ પુષ્પ ધરીએ છીએ તેમ ફળફળાદિ પણ ધરીએ છીએ, પરંતુ ઘણીવાર એ વિચાર આવવો સાહજિક છે કે શું ભગવાન એ ફળફળાદિ ખાતા હશે? અને ખાતા ન હોય તો તે ધરવાનાં શા માટે? પરંતુ તેની પાછળ પણ એક સુંદર ભાવ છે, જીવનનું દર્શન છે. ભગવાનને ચરણે આપણે સુંદર સડયા વગરનું રસમય ફળ ધરીએ છીએ. ભગવદ્ ચરણે ધરેલું આ ફળ આપણી કૃતિના ફળનું પ્રતીક છે. આપણી પ્રત્યેક કૃતિનું ફળ ભગવાનને ચરણે ધરવાનું હોય છે. આપણે કાર્ય કરવાનું અને તેનું ફળ ભગવાનને ચરણે ધરવાનું. આ જ તો ભગવદ્ગીતાનો નિષ્કામ કર્મયોગ છે.

કર્મણ્યેવાધિકારસ્તે મા કલેષુ કદાચન।

મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોડસ્ત્વકર્મણિ ।।

‘તારો કર્મ કરવામાં અધિકાર છે, તેના ફળમાં કદાપિ નથી. તેથી તું કર્મોના ફળની વાસના ન રાખતાં કાર્ય પ્રવણ રહે.’ આ નિષ્કામ કર્મયોગ આચરણમાં મૂકવો દુષ્કર છે, પરંતુ તેને ભગવદ્ ભક્તિ દ્વારા, ભગવદ્ પૂજન દ્વારા, પૂર્વજોએ કેટલો સરળ બનાવ્યો છે! ભગવાનને ચરણે રોજ ફળ ધરતી વખતે માણસ સતત વિચાર કરે કે આ જે ફળ હું ધરું છું, તે મારાં કર્મોના ફળના પ્રતીક રૂપે છે તો તે તેનો સ્વભાવ બની જશે. અને તેના જીવનની પ્રત્યેક કૃતિનું ફળ સહજ રીતે ભગવાનને ચરણે ધરી શકાશે. આટલી સહજ રીતે આવો દુષ્કર કર્મયોગ જીવનમાં લાવવાનું આ ઋષિઓ સિવાય બીજું કોણ સમજવાનું? આપણે કદી સડેલું ફળ ધરતા નથી. ફક્ત સુંદર, સારું ફળ જ પ્રભુને ચરણે ધરીએ છીએ. તે જ રીતે આપણી કૃતિ સુંદર અને સારી હોવી જોઈએ. તો જ તે ભગવદ્ ચરણે ધરી શકાય.

જેમ કૃતિ સારી હોવી જોઈએ, તેમ તેનું ફળ પણ સારું હોવું જોઈએ. રસાયુક્ત પણ હોવું જોઈએ. રસમય ફળ-રસમય જીવન, પ્રભુ ચરણે ધરવાનું. ઘણાની એવી ભ્રામક સમજણ છે કે સંસારથી પરવારી જઈએ, ઘરડા થઈએ, પછી ભગવાન તરફ લક્ષ આપવાનું. ઘરડા થયા પછી જ ભગવદ્ ભક્તિમાં મન પરોવવાનું અને તેથી જ તો ઘરડા થયા પછી લોકો સેવાપૂજા, કથાકીર્તન તરફ વળે છે. તેથી ઊગતી પેઢીની એ સમજણ દૃઢ થાય છે કે આપણે પણ ઘરડા થયા પછી જ ગીતા હાથમાં લઈશું. પરંતુ એ ઘરડા માનવીનું મનોવિશ્લેષણ કરતાં જણાશે કે મોટેભાગે એ ઉંમરે માણસ થાકેલો, હારેલો, હતાશ થયેલો હોય છે

અંગં ગલિતં પલિતં મુણ્ડં દશનવિહીનમ્ જાતમ્ તુણ્ડમ્ ।

વૃદ્ધોયાતિ ગૃહીત્વા દંડં તદપિ ન મુજ્જાતિ આશાપિણ્ડ્મ્ ।।

અંગે ગળી ગયેલો, આંખે પળિયા આવેલો, માથે ટાલ પડેલો, મોઢામાં દાંત વગરનો અને કમરેથી વાંકો વળેલો, ઘરડો લાકડીને ટેકે ચાલે છે, છતાં જીવવાની આશા છોડતો નથી. પણ આ ઘરડાની સંસારમાં કોઈને જરૂર લાગતી નથી. નિષ્ક્રિય થયેલો, ઉપેક્ષિત થયેલો તે બીજે જાય પણ ક્યાં?

વર્ષોની પડેલી જૂની ટેવોને કારણે, કાં તો નબળા પડેલા મનને કારણે તેનું ચિત્ત ભગવાનમાં ચોંટતું નથી. ડોકિયાં કરતું મોત તેની આજુબાજુ ફરતું દેખાય છે, તે સ્થિતિમાં કાંઈક શાંતિ મેળવવા કથા વાર્તામાં જઈ તે બેસે છે. જે કાંઈ કાને પડયું તે સાચું, જે કાન પવિત્ર થયા તે ખરા, અને જે કાંઈ ભગવદ્ કાર્ય થયું તે ખરું. એમ માનસિક સમાધાન લેવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ આ બધા મનને મનાવવાના પ્રયત્નો છે. હકીક્તમાં જીવનમાં તેનું ખાસ પરિણામ દેખાતું નથી. વખતે થોડોઘણો ફરક દેખાતો પણ હશે. પણ આપણે થોડો વિચાર કરીએ કે રસકસહીન થયેલું, હતાશ થયેલું, દુર્બળ, મૃત્યુની રાહ જોતું જીવન ભગવદ્ ચરણે અર્પણ કરીએ તે યોગ્ય ગણાય ખરું?

જીવનમાંથી બધો જ રસ લૂંટી લીધો. ભોગવાય તેટલું, દેહના ગુણધર્મ વિરુદ્ધ જઈને પણ ભોગવ્યું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચે વિષયોમાં મનને તરબોળ રાખ્યું અને ભોગો ભોગવવા જતા આપણે ભોગવાઈ ગયા. અને ભોગવાઈ ગયેલા આપણે, રસહીન થયેલા આપણે, કસ વગરના આપણે, ભગવદ્ ચરણે આપણું જીવનફળ ધરવા જઈએ તો તે વિશ્વનિયંતાને શું થતું હશે? અને તે સ્વીકારે પણ ખરો કે?

કેરી ખાઈ, કોઈ આપણને ફક્ત ગોટલો જ ખાવા આપે, એ પણ બધી બાજુથી ચૂસી લીધેલો, ચાટીચાટીને સાફ કરેલો, અને કહે કે આ કેરી મીઠી છે, ચાખી જુઓ-તો આપણને કેવું લાગે? તો પછી ભગવાનને ચરણે ચુસાયેલી ગોટલી જેવું જીવન ધરીએ તો તેને કેવું લાગતું હશે?

ભગવાનને ચરણે હંમેશાં રસ ભરપૂર ફળ ધરવાનું. જ્યારે યૌવનમાં જીવન પૂરબહારમાં ખીલ્યું હોય, જીવન મધુરિમાથી છલકાતું હોય, ઉત્સાહ અને યૌવનથી થનગનતું હોય ત્યારે- તેવું જીવનફળ પ્રભુને ચરણે ધરવાનું. પૂર્ણતઃ નહીં તો અંશતઃ અને ગીતામાં ભગવાને આશ્વાસન આપ્યું છે કે આવું કાર્ય હશે તો પણ અનેકગણું કરીને તે સ્વીકારશે.

આવું ફળ ધરીએ તો સાચા અર્થમાં ભગવાનને ચરણે ફળ ધર્યું કહેવાય. ભગવાનને ચરણે ફળ ધરવામાં સમર્પણભાવની પ્રતીતિ છે, નિષ્કામ કર્મયોગની તે સાધના છે, તેનું તે પ્રતીક છે.

જે દિવસે યુવાન પેઢી ભગવદ્ કાર્ય માટે કટિબદ્ધ થશે, પોતાનું રસયુક્ત જીવનફળ ભગવદ્ ચરણે ધરશે તે દિવસે નિશ્ચિત ભારતીય સંસ્કૃતિનો ધ્વજ આકાશમાં લહેરાતો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *